Wednesday, 12 October 2011

અમિતાભ બચ્ચન- સદાબહાર સજ્જન્

ગઇ કાલે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હતો. દેશભરના મિડિયાએ અને લોકોએ એમને શુભેચ્છાઓ આપી.
અમિતાભ માત્ર એક સારા કલાકાર છે? અલ્બત્ત, સદીના મહાનાયકનુ બિરુદ એમને જ મળ્યુ છે. પરંતુ એ માણસની માણસાઇ વિશે બહુ જ ઓછી વિગતો મિડિયામા આવે છે. આજે એકાદ બે એવી વાતો કરવાનો ઉપક્રમ છે.
વર્ષો પહેલા જી નામનુ એક ફિલ્મી મેગેઝીન અવારનવાર વાચવાનુ બનતુ. ફિલ્મી હસ્તીઓના જીવનની નાનીમોટી સાચી ખોટી વાતો વાંચવાનો આનન્દ આવતો. એ વખતે લગભગ તમામ અભિનેતાઓ ફિલ્મ શૂટિંગના સેટ પર જે જે નખરા કરતા એ બધી જ વાતો મિડિયામા આવતી. પરંતુ મે કદી પણ અમિતાભના નખરા વિશે સાંભળ્યુ નથી. સેટ પર દિગ્દર્શક જેટલા રિ-ટેક લેવા ઇચ્છે એટલા રિ-ટેક બચ્ચન કોઇપણ જાતના વાન્ધાવચકા વગર આપતા હતા.
એકાદ બે ફિલ્મોની સફળતાથી છાતી કાઢીને ફરતા ઘણા નવોદિતો એવા હતા જે પોતાની જાતને સુપરસ્ટાર સમજતા હતા અને જાતજાતના નખરા કરતા હતા. અમિતાભ બચ્ચન હમ્મેશા શિસ્તબધ્ધ કલાકાર રહ્યા છે. આ શિસ્ત એ ક્યાથી શીખ્યા છે? મારી જાણકારી મુજબ એમના માતુશ્રી તેજી બચ્ચન થિયેટર સાથે જોડાયેલા હતા, એટલે શક્ય છે કે બચ્ચન નાટકની શિસ્ત લઇને ફિલ્મોમા આવ્યા હોય. આપણે મોટેભાગે હરિવંશરાય બચ્ચનને જ વધુ યાદ કરીએ છીએ, કારણ કે એ મોટા ગજાના કવિ હતા. પણ અમિતાભની સફળતામા તેજી બચ્ચનના ફાળાની નોધ જોઇએ તેટલી લેવાઇ નથી.
એબીસીએલ ની નિષ્ફળતા એવી હતી કે કોઇ પણ માણસ તૂટી જાય. બચ્ચન તૂટ્યા નહી અને ઝઝૂમતા રહ્યા. કમ્પનીનુ કરોડો રુપિયાનુ દેવુ ચૂકવવા આ માણસે ભરપુર પરિશ્રમ કર્યો છે. ફિલ્મો પૂરતા મર્યાદિત ન રહેતા જાહેરાતો પણ કરી છે... અઢળક કરી છે અને દેવુ ચૂકવ્યુ છે. કમ્પનીનુ દેવુ ચૂકવવા માણસ પોતે આવી કાળી મજૂરી કરે એવા ઉદાહરણ ભારતમા બહુ જ ઓછા છે. 
નહેરુ - ગાન્ધી પરિવાર સાથેના એમના સમ્બન્ધો વિશે ઘણીવાર ચર્ચા થાય છે. એ બે પરિવારો વચ્ચે વણસેલા સમ્બન્ધ રાજકીય કારણે છે એ સૌ જાણે છે. સોનિયાજીની કોંગ્રેસે અમિતાભને ખૂબ જ હેરાન કર્યા છે. લીલાવતી હોસ્પિટલના બિછાને પડેલા આ માણસને એ જ વખતે ઇંકમ્ટેક્ષના લોકો હેરાન કરતા હતા. આખો દેશ જાણતો હતો કે આ કોના ઇશારે થઇ રહ્યુ હતુ. કોંગ્રેસના મોટામાથા પણ બચ્ચન વિશે ઘણીવાર અનાબશનાબ બોલતા રહે છે. બચ્ચન ક્યારેય પોતાના સંસ્કાર ચૂક્યા નથી. કદી પણ નહેરુ ગાન્ધી પરિવાર વિશે આ માણસ જાહેરમા ખરાબ બોલ્યા નથી. એક્વાર એક પત્રકારે એમને આ પરિવાર સાથેના સમ્બન્ધ અંગે કશુક પૂછેલુ તો બચ્ચને જવાબ આપેલો કે "એ રાજપરિવાર છે, સમ્બન્ધ રાખવો - ન રાખવો એ રાજા નક્કી કરે, પ્રજા તરીકે હુ નહી." પોતાના બાપુજી વખતથી જે પરિવાર સાથે નાતો હતો એવા પોતાના દોસ્તના પરિવારથી દૂર થઇ જવાનુ દુ:ખ આ સમ્વાદમા દેખાય છે.
રેખા સાથેના એમના સમ્બધો હમ્મેશા રસથી ચર્ચાય છે. આ માણસની ખાનદાની તો જુઓ, ક્યારેય આ અંગે કશુ જ કહ્યુ નથી! ગોકૂળ છોડ્યા પછી ક્રુષ્ણના જીવનમાથી જેમ રાધા નીકળી જાય છે, કૈંક એવી જ રીતે બચ્ચનના જીવનમાથી રેખા નીકળી જાય છે. હા, જેમ સાહિત્યકારો ક્રુષ્ણના મથુરાનિવાસ વખતે રાધાની યાદને લાવે છે એ રીતે પત્રકારો અને ફિલ્મ રસિયાઓ બચ્ચનના વિવાહિત જીવનમા રેખાની યાદને લાવ્યા કરે છે... આમા કશુ ખોટુ પણ નથી... વિખુટા પડી ગયેલાપ્રેમીઓનો અધિકાર છે- ચર્ચાતા રહેવાનો -- અને એ રીતેય પરસ્પરને યાદ કરી લેવાનો....!!
કેબીસીમા બચ્ચનની સજ્જનતા આપણે બધા જોઇએ જ છીએ, અને આ અગાઉ શાહરુખખાનની ચાંપલાશ પણ જોઇ જ છે. ઘોડા-ગધેડા જેટલો ફરક દેખાયા વગર રહે?!
આ સદીના મહાનાયકને દિલી શુભેચ્છાઓ.....  

1 comment: