આર ટી ઇ અંગે વધુ એક સવાલ: ગત સપ્તાહમાં સીઆરજી તાલીમમાં જવાનું થયું. તજજ્ઞ મિત્રો સાથેની ચર્ચામાં એક પ્રશ્ન એ એ આવ્યો કે શિક્ષક તરીકે અમે વાળી સંપર્ક કરીએ છીએ તેમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકને ભણાવવા નથી માગતા... આવા વાલીને કોઈ સજા નહિ? ... મોટાભાગે આ પ્રશ્ન આવા જ ભાવથી ઘણી બધી જગ્યાએ પૂછાતો હોય છે. પ્રશ્નાકાર્તાના જવાબરૂપે પહેલા તો હું પ્રશ્ન પૂછવા માગું છું કે વાલીએ પોતાના બાળકને ભણાવવું નથી કે પોતાના બાળકને ''આ શાળામાં'' ભણાવવું નથી?!...! કારણ કે અનુભવે જણાયું છે કે ગરીબ મજુર વર્ગના લોકો પોતાના બાળકને સરકારી શાળામાં નહોતા મોકલતા પણ એ જ મા-બાપ ફી ભરીને ખાનગી શાળામાં પોતાના બાળકને મોકલે છે! આણે શું સમજવું? અહી મારો કહેવાનો અર્થ એ નથી જ કે ખાનગી શાળાઓ સારું શિક્ષણ આપે છે... પણ સરકારી શાળાઓએ સમજવું તો જોઈશે જ કે બાળકને કે વાલીને સંતોષ થાય એવું શિક્ષણ આપણે આપી શકીએ ખરા? વાલીઓંની અપેક્ષા વાજબી પણ છે. એક સાવ સાચી ઘટના કહું, એક વાલીએ પોતાના મોટા દીકરાને ધોરણ ૭ સુધી ભણાવી દીધો પણ નાના દીકરાને ત્રીજા ધોરણથી જ ઉઠાડી લીધો... મેં એ વાલીનો સંપર્ક કરેલો. એ વાલીએ મને જે જવાબ આપ્યો તે દિલને હચમચી ગયેલો. વાલીએ કહ્યું, 'સાહેબ, આ મોટો સાત વર્ષ સુધી નિશાળમાં ગયો, હજી અક્ષર્ કે આંકડો પણ પાડતો નથી. એને વાંચતા કે લખતા આવડતું નથી... ઉલટાનું મારા લુહારી કામમાં મદદ કરવાનું પણ એણે બંધ કરી દીધું.' સાહેબ શાળાએ મારું એક છોકરું તો બગાડ્યું, હવે બીજું નથી બગાડવું...'' છે જવાબ આનો કોઈની પાસે? .... આવી શાળા કેવી રીતે અપેક્ષા રાખી શકે કે વાળી એના બાળકને નિયમિત શાળાએ મોકલે? શાળાએ જતા અને શાળાએ ન અજંતા બાળકોમાં , બાળકોના વર્તનમાં ફરક ન દેખાય તો વાલી શા માટે પોતાના પાલ્યણે શાળાએ મોકલે? બીજી એક અગત્યની વાત... દુનિયાનો કોઈ બાપ કે મા પોતાના બાળકને અભણ રાખવા માગતા નથી.. બધાએ પોતાના દીકરા-દીકરીને ભણાવી-ગણાવીને સુધારવા છે- સારા માણસ બનાવવાં છે. પણ , શાળા માત્ર બાળકોને મધ્યાહ્ન ભોજન જ આપતું સ્થળ હશે તો વાલી બાળકને મજુરીએ મોકલશે. કારણ કે મજુરીમાંથી થયેલી આવકથી ત્રણ દિવસનું મધ્યાહ્ન ભોજન થઇ જતું હોય છે! એટલે જે શાળામાં પોતાન બાળકને વિકસતું ન જોઈ શકાય - ના અનુભવી શકાય - એવી શાળામાં કોઈ મા-બાપ પોતાના બાળકને શાળામાં મોકલવા રાજી ન થાય...
No comments:
Post a Comment