Wednesday, 11 April 2012

જન્મ્યા ના , જીવ્યા ના .....


ભરતી ને ઓટ એ તો જીવનની મોજ 
જેમ દરિયાને હોય છે એ રોજ.
જન્મી ને જીવવું ને , જીવીને મરવું
એ સાહ્યબીના માલિકો કોક. 

ડોક્ટરના ચીપિયાથી ખેચાયા જીવ
એ જન્મ્યા ના, જીવ્યા ના હોય
જીવન તો ઠીક, એના કિસ્મતના કોષમાં,
ભૂત-પણા ય લખ્યાં ના હોય...

ઉકરડે ફેકાયા તો યે કોઈ રાવ ના ,
સમજ્યા ખાતર થઈને રહેશું
વગડામાં જઈશું ને છોડને જીવાડીશું
આમ કરી થોડું તો જીવશું!?!

હાય રે નસીબ એના કેવાં લખાયા કે
આટલું ય જીવન ના પામે
ઉકરડા ચૂન્થતો શ્વાન એક આવી-
'જીવતર'ને દાંતો માં દાબે. 

ભરતી ક્યાં, ઓટ ક્યાં, સાહ્યબીનું રહેવા દો,
જીવવું ને મરવું ય ક્યાં છે?
મોજથી જીવો કે પછી રંજ થી જીવો છો તમે
અમને તો જીવતર પણ ક્યાં છે?!

1 comment:

  1. aapna mayla ma sahitya padyu chhe,
    aapna shabdo hriday ne sparshe chhe.
    antar ni aasha , vedna ne vacha aapi aa kshetre utarotar pragti karta raho tevi dilthi dua.. shubhkama.

    ReplyDelete