Friday, 20 April 2012

આર ટી ઇ ૨૦૦૯ RTE 2009

આર ટી ઇ અંગે વધુ એક સવાલ: ગત સપ્તાહમાં સીઆરજી તાલીમમાં જવાનું થયું. તજજ્ઞ મિત્રો સાથેની ચર્ચામાં એક પ્રશ્ન એ એ આવ્યો કે શિક્ષક તરીકે અમે વાળી સંપર્ક કરીએ છીએ તેમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકને ભણાવવા નથી માગતા... આવા વાલીને કોઈ સજા નહિ? ... મોટાભાગે આ પ્રશ્ન આવા જ ભાવથી ઘણી બધી જગ્યાએ પૂછાતો હોય છે. પ્રશ્નાકાર્તાના જવાબરૂપે પહેલા તો હું પ્રશ્ન પૂછવા માગું છું કે વાલીએ પોતાના બાળકને ભણાવવું નથી કે પોતાના બાળકને ''આ શાળામાં'' ભણાવવું નથી?!...! કારણ કે અનુભવે જણાયું છે કે ગરીબ મજુર વર્ગના લોકો પોતાના બાળકને સરકારી શાળામાં નહોતા મોકલતા પણ એ જ મા-બાપ ફી ભરીને ખાનગી શાળામાં પોતાના બાળકને મોકલે છે! આણે શું સમજવું? અહી મારો કહેવાનો અર્થ એ નથી જ કે ખાનગી શાળાઓ સારું શિક્ષણ આપે છે... પણ સરકારી શાળાઓએ સમજવું તો જોઈશે જ કે બાળકને કે વાલીને સંતોષ થાય એવું શિક્ષણ આપણે આપી શકીએ ખરા? વાલીઓંની અપેક્ષા વાજબી પણ છે. એક સાવ સાચી ઘટના કહું, એક વાલીએ પોતાના મોટા દીકરાને ધોરણ ૭ સુધી ભણાવી દીધો પણ નાના દીકરાને ત્રીજા ધોરણથી જ ઉઠાડી લીધો... મેં એ વાલીનો સંપર્ક કરેલો. એ વાલીએ મને જે જવાબ આપ્યો તે દિલને હચમચી ગયેલો. વાલીએ કહ્યું, 'સાહેબ, આ મોટો સાત વર્ષ સુધી નિશાળમાં ગયો, હજી અક્ષર્ કે આંકડો પણ પાડતો નથી. એને વાંચતા કે લખતા આવડતું નથી... ઉલટાનું મારા લુહારી કામમાં મદદ કરવાનું પણ એણે બંધ કરી દીધું.' સાહેબ શાળાએ મારું એક છોકરું તો બગાડ્યું, હવે બીજું નથી બગાડવું...'' છે જવાબ આનો કોઈની પાસે? .... આવી શાળા કેવી રીતે અપેક્ષા રાખી શકે કે વાળી એના બાળકને નિયમિત શાળાએ મોકલે? શાળાએ જતા અને શાળાએ ન અજંતા બાળકોમાં , બાળકોના વર્તનમાં ફરક ન દેખાય તો વાલી શા માટે પોતાના પાલ્યણે શાળાએ મોકલે? બીજી એક અગત્યની વાત... દુનિયાનો કોઈ બાપ કે મા પોતાના બાળકને અભણ રાખવા માગતા નથી.. બધાએ પોતાના દીકરા-દીકરીને ભણાવી-ગણાવીને સુધારવા છે- સારા માણસ બનાવવાં છે. પણ , શાળા માત્ર બાળકોને મધ્યાહ્ન ભોજન જ આપતું સ્થળ હશે તો વાલી બાળકને મજુરીએ મોકલશે. કારણ કે મજુરીમાંથી થયેલી આવકથી ત્રણ દિવસનું મધ્યાહ્ન ભોજન થઇ જતું હોય છે! એટલે જે શાળામાં પોતાન બાળકને વિકસતું ન જોઈ શકાય - ના અનુભવી શકાય - એવી શાળામાં કોઈ મા-બાપ પોતાના બાળકને શાળામાં મોકલવા રાજી ન થાય...

Wednesday, 11 April 2012

પોલિસ બનેલો માણસ


કંઈક ખાખી પડ્યું છે એના વેશમાં,
કંઈક ખાખી પડ્યું છે એના વેશમાં.
ખાલીખમ ખિસ્સાનો મોજીલો જીવ
આમ અમથો ફરે નહી આવા વેશમાં ... કંઈક...

અક્કેકી વસ્તુનાં મૂલ એ ચૂકવતો'તો
ગઈ કાલે દીઠો'તો  મેં;
બધ્ધીયે રેંકડીથી  અક્કેકી તફડાવે
આજે નફ્ફટ થઈને એ.
છાતી સંતાડતી એકેય બાઈ એને
કહેતી નથી કે તું લઈશ મા..... કંઈક...

ગમતીલું બોલતો'તો, સહુને એ ગમતો 'તો ,
માણસ જેવો એ હતો માણસ;
આજે એ ઘૂરકે છે, ગાળો યે બોલે છે,
જાણે ગંદુ કંઈ પી ગયેલો માણસ.
મોટેરાં ઘરડેરાં , બાઈયું ય સાંભળી લે
કોઈ યે ના વારે , કંઈ કૈશ મા.... કંઈક...  

જન્મ્યા ના , જીવ્યા ના .....


ભરતી ને ઓટ એ તો જીવનની મોજ 
જેમ દરિયાને હોય છે એ રોજ.
જન્મી ને જીવવું ને , જીવીને મરવું
એ સાહ્યબીના માલિકો કોક. 

ડોક્ટરના ચીપિયાથી ખેચાયા જીવ
એ જન્મ્યા ના, જીવ્યા ના હોય
જીવન તો ઠીક, એના કિસ્મતના કોષમાં,
ભૂત-પણા ય લખ્યાં ના હોય...

ઉકરડે ફેકાયા તો યે કોઈ રાવ ના ,
સમજ્યા ખાતર થઈને રહેશું
વગડામાં જઈશું ને છોડને જીવાડીશું
આમ કરી થોડું તો જીવશું!?!

હાય રે નસીબ એના કેવાં લખાયા કે
આટલું ય જીવન ના પામે
ઉકરડા ચૂન્થતો શ્વાન એક આવી-
'જીવતર'ને દાંતો માં દાબે. 

ભરતી ક્યાં, ઓટ ક્યાં, સાહ્યબીનું રહેવા દો,
જીવવું ને મરવું ય ક્યાં છે?
મોજથી જીવો કે પછી રંજ થી જીવો છો તમે
અમને તો જીવતર પણ ક્યાં છે?!

Tuesday, 10 April 2012

મારા ફળિયાની નહોતી એ છોકરીના સમ


મારા ફળિયાની નહોતી એ છોકરીના  સમ
મને  જોઈને હરખાતી  નમણીના સમ

ઊગે આકાશ આખું, સૂરજના  આથમતાં
ઊગે છે હૈયામાં આશ,
વાસણ માંજીને પછી નિરાંતે બેઠેલી
છોકરીઓ માંજે છે જાત.
ફળિયાના નાકે થાય વગડાની વાત,
એમાં કોઈને ના આવે શરમ !
મારા ફળિયાની નહોતી એ છોકરીના  સમ

આખ્ખાય ફળિયાની દિવસની લેણદેણ
કહેવી છે છોકરાને આંખથી,
છોકરો મૂઓ એને વાંચે છે જેમતેમ,
આંખ મારી હા ભણે ચશ્માંથી.
છોકરી ને છોકરાની આવી રસમ;
મારા ફળિયાની નહોતી એ છોકરીના સમ.

લંબાવી પગ જાણે લંબાવી જાતને,
છોકરીઓ આમતેમ જોતી;
ખિખિયારા કાઢી એવું હસતી એ ટોળામાં,
ફળિયાની વેદનાઓ ધોતી.
વહેલા જન્મ્યાનું દુ:ખ ઓઢીને સૂવે છે
ડોશીનું ગલઢેરુ મન;
મારા ફળિયાની નહોતી એ છોકરીના સમ.

હવે ના આવશે સરસ્વતી અહી ફરી ફરી


હવે ન આવશે સરસ્વતી અહીં
{મારા વિચારોને ૧૯૯૧ મા આશિષ ઠાકર દ્વારા મળેલ શબ્દદેહ}
હવે ન આવશે સરસ્વતી અહીં ફરી ફરી,
હવે ન માગશે કશુંય શિષ્ય પણ લળી લળી.
હવે અહી કુસંપ ને અજંપ સર્વ વ્યાપશે;
અને અહીં ગુરૂ સમસ્ત ફક્ત શ્રાપ આપશે.

સમસ્ત વિશ્વ ત્રસ્ત-ત્રસ્ત, અસ્તવ્યસ્ત થઇ જશે,
પ્રતાંડવિત શિવનો પ્રચંડ કોપ વ્યાપશે.
યુગો લાગી પ્રચૂર જ્ઞાનદાયીની કુમારિકા;
સૂરાવલી વીણા પરે પ્રઘાતની જ છેડશે.

તમે જ હે નરાધમો, તમે જ ભ્રષ્ટ સાક્ષરો,
તમે જ ખુરશી ભૂખ્યા, ગલીચ દ્રોણ વંશજો.

અમોલ એકલવ્યના અંગુષ્ટ કાપીકાપી ને,
મહાન શ્વેત વસ્ત્રીણી કુમારિકા પરે અરે-
મલીન રાજનીતિનું હજીય રક્ત છાંટશો?!

હજીય છે ક્ષણો, રીજી શકે હજીય શારદા;
પરંતુ છે યકીં મને, ન વાત મારી માનશો!